*પરીક્ષા... પરીક્ષા... પરીક્ષા... પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે. અને વિદ્યાર્થી મિત્રોના મગજ પર સત્તત નવી નક્કોર પણ ચવાયેલી સલાહોનો મારો પણ સાથોસાથ વાલીઓ દ્વારા, સગાઓ દ્વારા અને વડીલ મિત્રો દ્વારા ચાલી રહ્યો છે. તો આપણે આ માથાફૂટમાં ના પડતા આજ પરીક્ષા વિશે થોડી રસિક વાતો જાણીયે.
*એક્ઝામ ની સિસ્ટમ જે આજે આપણે જોઈ રહ્યા છે તે વિશ્વમાં સૌ પ્રથમ ચીનાઓ એ સાતમી સદીમાં પોતાના પ્રધાન મંડળ માટે યોગ્ય લાયકાત ધરાવતા લોકો નું ચયન કરવા માટે અમલ માં મુકેલી. જે આગળ જતા બ્રિટન એ પણ ૧૮૦૫ માં અપનાવેલી. તે સમય માં આ પ્રક્રિયા "ઇમ્પિરિઅલ એક્ઝામિનેશન" જેવા ભારે ભરખમ શીર્ષક પામેલી પરીક્ષા પદ્ધતિ હતી. જેની શોધ સુઈ દયનેસ્ટી(નીચેનો ફોટો) દ્વારા થઇ હોઈ તેવું ઇતિહાસના પાના કહે છે.
*વિશ્વની સૌથી પ્રાચીન વિશ્વ વિદ્યાલય ની વાત કરીએ તો નાલંદા વિદ્યાપીઠ માં પ્રવેશવા માટે વિદ્યાર્થીઓ ને ત્રણ અતિ કઠિન પ્રવેશ પરીક્ષાઓ અપાવી પડતી હતી જેથી અતિ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ને જ વિદ્યા પીઠ માં પ્રવેશ મળી શકતો હતો. નાલંદા માં આચાર્યો મૌખિક વ્યાખ્યાનો દ્વારાજ વિદ્યાર્થીઓ ને પોતાની જ્ઞાનસરિતાઓ સોંપતા હતા. પ્રવેશ મેળવેલા દરેક વિદ્યાર્થીઓ માટે ભોજન, રહેણાંક સ્થળ અને શિક્ષા બધું નિઃશુલ્ક આપવામાં આવતું હતું. બ્રહ્માંડથી માંડી ને દર્શન, ભૌતિકશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, અને વેદ જેવા સંપૂર્ણ જ્ઞાન ફલક ના વિષયો માટે નાલંદા વિદ્યાપીઠ ના પુસ્તકાલય માં ૩લાખ થી પણ વધુ પુસ્તકો નો સંગ્રહ હતો જેમાં ઘણી પુસ્તકો ચીની પર્યટકો તેની પ્રતિલિપિ બનાવી સાથે લઇ ગયા હતા. ૧૧૯૯ માં તુર્ક શાસક બખ્તિયાર ખીલજી એ જયારે નાલંદા પર આક્રમણ કર્યું ત્યારે તેને આ બધાજ પુસ્તકો ની હોળી કરી જેની આગ કેટલાય દિવસો સુધી સમી નહિ. જાણો છો કેટલા દિવસ? ૩૦ દિવસ!!! નાલંદા સીવાય કાશી, વિક્રમશીલા, વલ્લભી, ઓળંગપુર, જગદ્દલ, નાદિયા, મિથિલા, અયોધ્યા પણ તે સમય ની નામચીન વિશ્વવિદ્યાલયો ખરી જ. અને હા, ચંદ્ર ગુપ્ત જેવા મહાન સમ્રાટ નું ઘડતર કરનારી તક્ષશિલા ને તો કેમ ભૂલી શકાય. શિક્ષણ ના સંદર્ભમાં ભારતના અદભુત અને સુવર્ણ ઇતિહાસ ની દૃશ્યપટલ જોતા આજે સ્થિતિ બહુ દયનિય છે. જેને બદલવા માટે આપણા રાજકર્તાઓ અને સમાજસુધારકો દ્વારા કોઈ ખાસ કોશિશ થતી હોઈ તેવું જરા સરખું પણ લાગતું નથી. બીજી તરફ ભારત માં જે પરીક્ષા પદ્ધતિ અમલ માં છે તેનું મૂળ બ્રિટન પણ તે પદ્ધતિ ને ક્યારનું તિલાંજલિ આપી ચૂક્યું છે.
*દુનિયાની સર્વોચ્ચ અને વધુ કારગત એડયુકેશન સિસ્ટમ ધરાવતા મુખ્ય પાંચ દેશની વાત કરીયે તો ફિનલેન્ડ , સ્વિઝર્લેન્ડ,બેલ્જિયમ,સિંગાપોર,નેધરલેન્ડ. ફિનલેન્ડ જેવા દેશમાં તો વિદ્યાર્થી ની ૧૬ વર્ષની ઉંમરે એક જ પરીક્ષા લેવામાં આવે છે. સ્વિઝર્લેન્ડમાં ફક્ત ૫% જ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલ અથવા કૉલેજમાં અભ્યાસ કરે છે. આ લિસ્ટમાં ૯માં સ્થાને આવતા બાર્બાડોસ જેવા નાના દેશનો સાક્ષરતા આંક ૯૮% જેટલો છે.દુનિયાના આવા નાના દેશો જયારે ટોપ લિસ્ટ માં આવતા હોઈ ત્યારે એશિયાના સુપરપાવર ગણાતા ચીને પણ આખરે પોતાની એડયુકેશન સિસ્ટમ અને પરીક્ષા પધ્ધતિમાં બદલાવ કરવો પડ્યો છે. ચીનમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા ખીલે માટે દરરોજ નવા નવા વિષયોને જાણવાનું અને તેને જ લગતું હોમવર્ક આપવામાં આવે છે. અઠવાડિયામાં કમ સે કમ બે દિવસ વાલીઓ પોતાના બાળકોને બહાર ફરવા લઇ જવા માટે પ્રતિબદ્ધ છે .અને ફરવા સમયે જે જોયું જાણ્યું હોય તેના વિષે મૌલિક ભાષામાં નિબંધ લખી સ્કૂલમાં સબમિટ કરવાનો રહે છે. જે તેમની વીકલી પરીક્ષા છે અને ઈતર વાંચનને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે જેટલું પાઠ્ય પુસ્તકને. એડયુકેશન અને પરીક્ષા પધ્ધતિની વાત ચાલી રહી છે તો અમેરિકા જેવા મંધાતાને કેમ ભૂલી શકાય. ૧૮૪૪ માં જન્મેલા વિલિયમ સ્ક્ટટોન જેવા અબજપતિ બિઝનેસમેનએ આટલીતો લાઈબ્રેરીઓ બંધાવી છે કે આજે તેને અમેરિકાના ભવિષ્ય ઘડતરના પિતામહ ગણવામાં આવે છે. વિલિયમ એમ માનતા કે નવા નવા વાંચન થી બાળકોના મગજમાં વિચાર બીજ ખીલશે અને તેને થોડું ખાતર આપવાથી તે બીજ વૃક્ષ બનશે. વિલિયમના આ વિચારે અમેરિકાની સકલ બદલાની નાખી. જગતની મુખ્ય ૧૦ મોટી કંપનીઓ માની ૭ તો અમેરિકા માં જ છે. વિશ્વની ઇકોનોમિક પાવર બનેલો ડોલર પણ અમેરિકાનો , વિશ્વના લગભગ અર્ધો અડધ નોબેલ પ્રાઈઝ પણ અમેરિકા પાસે છે. આનું કારણ છે અમેરિકાની એડયુકેશન સિસ્ટમ અને પરીક્ષા પધ્ધતિ જે ફળદ્રુપ ભેજાઓ નું પ્રોડકશન કરે છે ના કે ગધેડા નું .
*અને છેલ્લે એક વાત :- પાણીની શુદ્ધતા તેના પાત્ર પર આધારિત છે. વૈશ્વિક ફલકમાં કોઈપણ દેશ ની કામિયાબી તેની શિક્ષણ પદ્ધતિ ને માનવામાં આવે છે અને શિક્ષણ પદ્ધતિજ તે પાત્ર છે જેના દ્વારા જ્ઞાન નું પાણી વિદ્યાર્થીઓ ને પીવડાવવા માં આવે છે જો પાત્રજ ગંદુ હશે તો પીવા માં આવતું પાણી પણ ગંદુજ હશે.
Share This :

0 Comments